Posts Tagged ‘2009માં વધુ ૭૦૦ બેઠકો મેડિકલ કોલેજો માટે ઉભી કરાશે’

2010 સુધીમાં એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલનો કાયાકલ્પ

નવેમ્બર 12, 2008
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી

ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી

આ મહત્વાકાંક્ષી પ્રોજેકટ-૨૦૧૦ના ગુજરાત સુવર્ણ જયંતિ અવસરે ત્રણ તબક્કામાં સંપન્ન થશે, હાલની ર૧પ૦ પથારીઓમાં વધારો કરીને પ૧પ૦ પથારીઓની ક્ષમતા ધરાવતું એશિયાનું વિશાળતમ આરોગ્યધામ બનશે

ગાંધીનગર. મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે જણાવ્યું હતું કે એશિયાની સૌથી મોટી અમદાવાદ સિવિલ હોસ્પિટલ કોમ્પ્લેક્ષનો સંપૂર્ણ કાયાકલ્પ કરીને આરોગ્ય સેવાઓના નવા જ કોમ્પ્લેક્ષનું નિર્માણ કરવામાં આવશે. એકંદરે રૂ. ૯૧૧ કરોડનો અમદાવાદ સિવિલ હોસ્પિટલના નિર્માણનો આ મહત્વાકાંક્ષી પ્રોજેકટ-૨૦૧૦ના ગુજરાત સુવર્ણ જયંતિ અવસરે ત્રણ તબક્કામાં સંપન્ન થશે. આરોગ્ય સેવાઓની સામાજિક માળખાકીય સુવિધાઓના આધુનિકરણમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલ નૂતન સંકુલ અભિનવ મોડેલ બની રહેશે તેમ તેમણે જણાવ્યું હતું.

તેમણે જણાવ્યું કે વિકાસના ક્ષેત્રે ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. ભૌતિક પ્રગતિ માટેની અધતન માળખાકીય સુવિધાઓ, ઔધોગિક વિકાસ અને મુડી રોકાણમાં પણ ગુજરાત પ્રથમ ક્રમે પહોંચી ગયું છે. દેશમાં 12 ટકાનો કૃષિ વિકાસ દર હાંસલ કરીને ખેતીવાડીમાં પણ ગુજરાતે ક્રાંતિ સર્જી છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલના વિશાળ આરોગ્ય સેવાના સંકુલમાં હાલની ૨૧૫૦ પથારીઓની ક્ષમતામાં વધુ ૨૮૦૦ પથારીઓની વૃઘ્ધિ થશે. આ ઉપરાંત વધુ ર૦૦ પથારી સ્વાયત ધોરણે ઉમેરાશે આમ, નૂતન આધુનિક આવિષ્કાર પામનારી આ સિવિલ હોસ્પિટલ કુલ મળીને પ૧પ૦ પથારીઓની ક્ષમતા સાથે એશિયાનું સૌથી વિશાળ આરોગ્યધામ બનશે. હાલની સિવિલ હોસ્પિટલના પટાંગણમાં નવા સંકુલનું નિર્માણ હાથ ધર્યું છે જેમાં આધુનિકતમ માળખાકીય સુવિધા વિકાસ અને મોડર્ન ઓ.પી.ડી. સહિત આરોગ્ય સુખાકારીના શ્રેણીબઘ્ધ ગુણાત્મક પરિવર્તનના પગલાં લેવાશે. વધુ એક ટ્રોમા સેન્ટર ઉપરાંત મલ્ટી સ્પેશ્યાલિટી તથા સુપર સ્પેશ્યાલીટી હેલ્થકેર વગેરેનું નિર્માણ થશે. જે ત્રણ તબકકામાં રૂ. ૯૧૧.૬૮ કરોડના ખર્ચે નૂતન સિવિલ હોસ્પિટલ સંકુલનું નવસંસ્કરણ થશે.

પ્રથમ તબક્કે સિવિલ હોસ્પિટલના તમામ બ્લોક, બી.જે.મેડીકલ કોલેજ, ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, પેરાપ્લેજીયા કોલેજના કાયાકલ્પના કામો સહિત ઓપરેશન થિયેટર અને લેબોરેટરી બ્લોક, પી.જી.હોસ્પિટલ બ્લોક, ન્યુ ટ્રોમા સેન્ટર, સબ સેન્ટર, ઓપ્થલમીક ઇન્સ્ટીટયુટ તથા ઇન્ફ્રાસ્ટ્રકચરના રોડ, ગટર, પાણી, બાહ્ય ઇલેકટ્રીકલ્સના નવા કામો તેમજ નર્સિંગ સ્કૂલ કોલેજના કામો રૂ. ૨૮૯.૦૫ કરોડના ખર્ચે હાથ ધરાશે.

બીજા તબક્કામાં યુ.જી.હોસ્ટેલ, પી.જી મેરીડ સ્ટુડન્ટ એપાર્ટમેન્ટ-૧૨ બ્લોક, પ્રોફેસર એપાર્ટમેન્ટ એન્ડ ગેસ્ટ હાઉસ, મેસ અને કન્વીનીયન્સ શોપ, ૩ જેટલા ડીન બંગલો, વર્ગ-૧ના ૭ હાઉસીંગ બ્લોક અને વર્ગ-૨ના હાઉસીંગના બે બ્લોક તથા વર્ગ-૩ હાઉસીંગના ૯ બ્લોક અને ઇન્ફ્રાસ્ટ્રકચર વર્ક પાછળ કુલ રૂ. ૨૩૫ કરોડનું આયોજન હાથ ધરાયું છે.

ત્રીજા તબક્કામાં ન્યુ સિવિલ હોસ્પિટલ કોમ્પ્લેક્ષ, પાર્કિંગ અને દર્દીની રોજીંદી જરૂરીયાતો તથા આનુષાન્ગિક જરુરી ઇન્ફ્રાસ્ટ્રકચરના કામો માટે રૂ. ૩૨૫ કરોડનું આયોજન કરવામાં આવ્યું છે. સિવિલમાં આવતા તમામ પ્રકારના ટ્રાફિકને નિયંત્રિત કરી ચોકકસ જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલની આજ અને આવતીકાલ:

અમદાવાદમાં અસારવા વિસ્તારમાં ૧૧૦ એકર વિસ્તારમાં પથરાયેલી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ૧૯૫૨માં બાંધવામાં આવી હતી. તેમાં મુખ્યત્વે ૨૦૦૦ બેડની હોસ્પિટલ, ૪૪ વોર્ડ, ૩૦ વિવિધ વિભાગો અને ૧૬ જેટલાં નાના મોટા ઓપરેશન થિયેટરો આવેલાં છે. દર વર્ષે સાડા છ લાખ દર્દીઓ સેવાઓ લે છે. લેબોરેટરી, બ્લડ બેન્ક ઉપરાંત ટ્રોમા સેન્ટર કાર્યરત છે.

મેડીકલ કોલેજ અને હોસ્ટેલનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સિવિલ કેમ્પસમાં કિડની હોસ્પિટલ, યુ.એન.મહેતા કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર તથા કેન્સર હોસ્પિટલ, ટી.બી.હોસ્પિટલ અને આંખની હોસ્પિટલ આવેલી છે.

હાલની સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં મુખ્ય હોસ્પિટલમાં કુલ નવ બ્લોક આવેલા છે. જેમાં ૪૩ વોર્ડ છે. દરેકની ક્ષમતા ૫૦ પથારીની છે. ૧૬ ઓપરેશન થિયેટર છે. સિવિલ હોસ્પિટલમાં લેબોરેટરી, અધતન બ્લડ બેન્ક અને તાકીદની સારવારની વ્યવસ્થા ધરાવતું ટ્રોમા સેન્ટર પણ ઉપલબ્ધ છે. સિવિલ હોસ્પિટલ મૂળ તો ૨૬ પેશન્ટ પ્રતિ વોર્ડ સાથે ડિઝાઇન કરાઇ હતી.હાલ દર્દીઓની સંખ્યા વધતાં તે ઓવર ક્રાઉડેડ છે અને ક્ષમતા કરતાં વધુ કામ કરી રહી છે.

નૂતન સિવિલ હોસ્પિટલના સમગ્ર વિસ્તારનું સર્વગ્રાહી માસ્ટર પ્લાનીંગ હાથ ધરવામાં આવ્યુ છે. સિવિલ હોસ્પિટલમાં તબીબો, સ્થપતિઓ સહિત જનતાનાં સૂચનો મેળવીને આ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે.

2009માં વધુ ૭૦૦ બેઠકો મેડિકલ કોલેજો માટે ઉભી કરાશે:

રાજયમાં મેડીકલ કોલેજમાં પ્રવેશ મેળવવા ઇરછતા તમામ વિધાથીઓને ગુજરાતમાં જ પ્રવેશ મળે અને રાજય બહાર મોટી ફિ ભરીને પ્રવેશ મેળવવો ન પડે તે હેતુથી આગામી વર્ષથી વધુ ૭૦૦ બેઠકોની ક્ષમતા મેડિકલ કોલેજો માટે ઉભી કરવામાં આવશે.

ગુજરાતમાં આરોગ્યક્ષેત્રે શિક્ષણ તેમજ તબીબી સેવાઓ પુરી પાડતી જે સંસ્થાઓ છે તેમાં ૧૭૫૫ બેઠકની ક્ષમતા સાથેની સ્નાતક તબીબી શિક્ષણ માટે કુલ ૧૩ મેડીકલ કોલેજ, ૭૨૦ બેઠકની ક્ષમતાવાળી ૯ ડેન્ટલ કોલેજ, ૯૦૦ બેઠકની ૧૮ ફિઝીયોથેરાપી કોલેજ, ૨૯૦ બેઠકની ૭ નર્સિંગ કોલેજ, ૨૫ બેઠકની ૧ અનુસ્નાતક નર્સિંગ કોલેજ આવેલી છે. જયારે ૧૧૫૭ બેઠકની ૩૭ નર્સિંગ શાળાઓ ઉપરાંત ૩૭૫ બેઠકવાળી ૯ આયુર્વેદ કોલેજો, ૧૪ હોમિયોપેથી કોલેજ આવેલી છે. તબીબી સેવાઓ પુરી પાડતી જિલ્લા અને તાલુકાના કુલ ૪૬ હોસ્પિટલો કાર્યરત છે. આ ઉપરાંત ૧ ચેપી રોગની હોસ્પિટલ, ૪ માનસિક રોગની હોસ્પિટલ, આંખના રોગોની ૨ હોસ્પિટલો, વર્ગ-૨ની કુલ ૫૪ હોસ્પિટલો, ૯૪ જેટલી ગ્રાન્ટ ઇન એઇડ હોસ્પિટલો ઉપરાંત ૬૪ ડિસપેન્સરી તેમજ ૨૬૦ ઇમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ કામ કરી રહી છે. રાજયમાં કુલ ૨૭૩ સામુહિક આરોગ્ય કેન્દ્રો, ૧૦૭૪ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ૭૦૭૪ પેટા કેન્દ્રો તેમજ ૩૭ જેટલી તાલીમ સંસ્થાઓ આવેલી છે. આ તમામ હોસ્પિટલો સામુહિક-પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં રોગી કલ્યાણ સમિતિઓ કાર્ય કરી રહી છે. કુલ ૧૯૨૭૩ ‘આશા’ કાર્યકરો સેવા કરી રહ્યા છે.